ગાંધીનગરનાં ચિલોડાથી હિંમતનગર હાઇવે પર આવેલ મહુન્દ્રા ગામના પાટિયા પાસે પાર્ક કરેલ ગાડીનો કાચ ફોડીને તેમાંથી ગઠિયા ધોળા દિવસે રૂપિયા ૨.૮૫ લાખની કિંમતના કેમેરા અને લેન્સ સહિતની ચીજ વસ્તુઓ ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયા હતાં. જુનાગઢના ચોરવાડ ગામના ફોટોગ્રાફર અમદાવાદથી મોટાભાઇ તથા મિત્રો સાથે ઉદયપુર જવા નીકળ્યા ત્યારે ગઠિયો ભેંટી ગયાના કિસ્સામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, ચોરીના બનાવમાં તેણે રૂપિયા ૧.૭૫ લાખની કિંમતનો સોની કેમેરા, ૭૫ હજારની કિંમતના બે લેન્સ, ૨૦ હજારની કિંમતના બે મેમરી કાર્ડ અને રૂપિયા ૧૫ હજારની કિંમતની બે બેટરી ગુમાવ્યા હતાં. હર્ષલ ચુડાસમા અને તેના મોટા ભાઇ આકાશ બન્ને ગત તારીખ ૨૭મીએ અમદાવાદમાં વાપુર વિસ્તારમાં રહેતા મિત્ર હાદક પટેલના ઘરે આવ્યા હતાં. બાદમાં તારીખ ૨૮મીના સવારે જુમ કાર એપ્લિકેશન મારફત ગાડી ભાડે કરીને મિત્રો મિત ચૌહાણ અને જય વાઢેર એમ પાંચે મિત્રો ઉદયપુર, રાજસ્થાન જવા નીકળ્યા હતાં. સવારે ૯.૪૫ વાગ્યાના અરસામાં તેઓ મહુન્દ્રા ગામના પાટિયા પાસે નાસ્તો કરવા માટે ફૂડ કોર્નર પર ગાડી ઉભી રાખી હતી. ગાડીને લોક કરીને નાસ્તો કરવા ગયા હતાં અને ૨૦ મિનીટ બાદ પરત ફર્યા ત્યારે ગોડીનો કાંચ ફૂટેલો જોવામાં આવતાં તપાસ કરી ત્યારે ઉપરોક્ત કેમેરે અને લેન્સ સાથેના સામાનની બેગની ચોરી થઇ ગયાનું જણાયુ હતું. આ સાથે ચોરીના બનાવ સંબંધે ફરિયાદ નોંધાવતા ચિલોડા પોલીસે તપાસ શરૂ કરી હતી.
