ગાંધીનગર કલોલનાં હાઈવે ઉપર આવેલ ડી-માર્ટની પાછળ પુષ્પક બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બંધ મકાનના તાળા તોડયા હતા અને અંદરથી રોકડ રકમ તથા અમેરિકન ડોલર અને સોના ચાંદીના દાગીના વગેરેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલના ડી માર્ટ પાછળ આવેલા પુષ્પક બંગલોમાં રહેતા કોકીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ તેમના જેઠ ગુજરી ગયા હોવાથી બંગલાને તાળું મારીને અમદાવાદ ગયા હતા.
ત્યારે તેમની સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલે તેમને ફોન કરીને જણાવેલ કે તમારા ઘરના દરવાજાનુ લોક તુટેલ છે અને ચોરી થયું હોવાનું જણાય છે તેથી તેઓ અમદાવાદથી પરત કલોલ આવી ગયા હતા અને ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો અને બેડરૂમમાં આવેલ કબાટ તપાસતા અંદરનો સામાન વેર વિકેટ પડેલો હતો અને કબાટમાંથી એક અઢી તોલાનો સોનાનો સેટ તથા સોનાની જૂની ચાંદીની શેરો ચાંદીનો ચુડો રોકડા રૂપિયા ૪૫,૦૦૦ તથા ૪૦૦ અમેરિકન ડોલરની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. તસ્કરો કુલ રૂપિયા ૨,૭૦,૦૦૦/-ના માલ મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.




