રાજ્ય સહીત તાપી જિલ્લામાં ઓનલાઈન ઠગાઈના બનાવ સામે આવી રહ્યા છે વ્યારાનાં મુસા રોડ પર રહેતા ફરસાણના વેપારીને દુકાનના ફર્નિચર માટે લોનની જરૂર હોય ફેસબુક પર આવેલ લોનની જાહેરાત જોઈ રૂપિયા ૧ લાખની લોન લેવામાં રૂપિયા ૧.૩૭ લાખ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ, વ્યારાનાં મુસા ગામે વાટિકા રેસિડેન્સીમાં રહેતા રમેશભાઈ ભોળાભાઈ ગેવરિયા સોસાયટીના ગેટ નજીક માધવ ગોટા એન્ડ ફરસાણ નામે દુકાન ચલાવે છે.
દુકાનનાં ફર્નિચર માટે નાણાંની જરૂર હોય તારીખ ૨૨ નારોજ મોબાઈલમાં ફેસબૂક એપ્લિકેશનમાં ભેજાબાજે લોન માટે બજાજ ફાઇનરી નામના છેતરામણા લોગોવાળી લોન માટે મુકેલી જાહેરાત જોઈ તેની લિન્કમાં જઈ પાનકાર્ડ, આધાર કાર્ડ સહિત પુરાવા ઉપલોડ કરતા રૂપિયા ૧,૦૮,૦૦૦/-ની લોન અપ્રુલ થઈ છે એમ કહી ભેજાબાજે ફાઈલ ચાર્જ, એનઓસી, ફરજિયાત વીમો જીએસટી સીએસટી ચાર્જના નામે કૂલ રૂપિયા ૧,૩૭,૨૧૩/-નું ટ્રાન્ઝેક્શન કરાવી લીધું હતું. એ જ રીતે વ્યારા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા અને કડોદ ખાતે રેફરલ હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા નીરવકુમાર મહેશભાઈ ચૌધરી (ઉ.વ.૩૨)ને તારીખ ૧૧ નારોજ ભેજાબાજે કોલ કરી આર્માવાળો શર્માજી બોલું છું, અગાઉ આપણે મળ્યા છે કહી વિશ્વાસમાં લઈ માંદગીના કારણે હોસ્પિટલમાં દાખલ હોય યુપીઆઈઆઈડી બંધ થયું ગયું છે એમ જણાવી રૂપિયા ૨૫,૦૦૦/-ની ક્રેડિટનો મેસેજ કરી બીજા યુપીઆઈ નંબર પર તૂટક તૂટક રૂપિયા ૨૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જયારે ત્રીજા બનાવમાં નિઝર તાલુકાનાં વેલદા બજારમાં કૃષ્ણ ઓટો પાર્ટ્સ નામે ગેરેજ ચલાવતા ખુશાલ વિદ્યાનંદભાઈ શર્મા (મૂળ રહે.રાજસ્થાન)એ ગત તારીખ ૩૧ મે’ના રોજ ટેલિગ્રામ એપ્લીકશનમાં ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ મેળવા ગ્રુપ જોઈન કર્યું હતું જેમાં ફાઈવ સ્ટાર હોટલનું રીવ્યુ આપવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જેમાં ટાસ્ક પુરા કર્યા બાદ કમિશન આપવામાં આવ્યું હતું. જોકે મળતા કમિશનની રકમ મેળવવા તેની પાસે યુપીઆઈ આઈડી મારફતે ભેજાબાજોએ રૂપિયા ૨૫,૫૬૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
