જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના બન્યા બાદ ગુરૂવારે લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે. ઝાડને કાપવાના પ્રશ્ને ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવેલા 70 વર્ષના ખેડૂત બુઝુર્ગ ઉપર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી દેવાની ઘટના સામે આવી છે.
જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધી એક ખેડૂતની અટકાયત કરી લીધી છે.
નાંદુરી ગામમાં રહીને ખેતી કામ કરતા જેતાભાઈ ભીખાભાઇ કરંગીયાને તે જ ગામમાં રહેતા ખીમાભાઈ કરંગીયા સાથે ઝાડને કાપવાના મુદ્દે બે દિવસ પહેલાં તકરાર થઇ હતી. ત્યારબાદ ગુરૂવારે સવારે 9:30 વાગ્યાના અરસામાં સમાધાન માટે બોલાવ્યા હતા, જ્યાં ખીમાભાઈ કરંગીયા ઉશ્કેરાઇ ગયો હતો. તેણે ખેડૂત જેતાભાઈ કરંગીયાના માથામાં ધારદાર સળિયા વડે હુમલો કરી દેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્રએ આરોપી ખીમાભાઇ કરંગીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે.
