ઓડિશાનાં પુરીમાં રવિવારે સવારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ફરી ધક્કામુક્કી થઇ હતી, શનિવારની ઘટનામાં ૬૦૦થી વધુ લોકો ઘવાયા હતા જ્યારે રવિવારની ઘટનામાં બે મહિલાઓ સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જેને પગલે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઇને રાજ્ય સરકાર ઘેરાઇ છે. વિવાદો વચ્ચે પુરી જિલ્લાના કલેક્ટર અને એસપીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જ્યારે એક ડીસીપી અને કમાંડેંટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રવિવારે પરોઢીયે ૪.૨૦ વાગ્યે પુરીના ગુંદીચા મંદિર બહાર હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. આ દરમિયાન જ રથ યાત્રા સાથે જોડાયેલી વિવિધ સામગ્રી લઇને બે ટ્રકો આ સ્થળ પાસે પહોંચ્યા હતા.
જેને કારણે શ્રદ્ધાળુઓ વચ્ચે ભારે ધક્કામુક્કી થઇ હતી. જેમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી મોહન માંઝીએ લોકોની માફી માગી હતી. સાથે જ જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકર અને એસપી વિનીત અગ્રવાલનું ટ્રાન્સફર કરાયું હતું, જ્યારે ડીસીપી બિષ્નુપતી અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરાયા હતા.
હાલ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. વધુમાં ઓડિશા સરકારે જે ત્રણ લોકો માર્યા ગયા છે તેમના પરિવારને ૨૫ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. હાલ વરીષ્ઠ અધિકારી અરવિંદ અગ્રવાલને રથયાત્રાની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ચંચલ રાણાને જિલ્લા કલેક્ટરના પદ પર નિમવામાં આવ્યા છે. બીજી તરફ બીજેડીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાને લઇને રાજ્યની ભાજપ સરકારને ઘેરી હતી. આ પહેલા શનિવારે પણ રથયાત્રા દરમિયાન ભારે ભીડ અને મુંજવણને કારણે ૬૦૦ જેટલા લોકો બિમાર પડયા હતા અથવા ઘવાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. બીજા દિવસે રવિવારે પણ ધક્કામુક્કીમાં જાનહાની થતા સુરક્ષા વ્યવસ્થાને લઇને વિપક્ષે રાજ્ય સરકારને ઘેરી હતી.
