સોનગઢ હાઈવે પર સુગર ફેક્ટરીમાંથી મહારાષ્ટ્ર જતી બળદો, બકરા અને માણસો ભરેલ ટ્રક ચાલકની બેદરકારીના કારણે પલટી જતા ત્રણ વ્યક્તિને ઇજા થવાની સાથે એક બળદનું મોત નિપજયુ હતું. આ અકસ્માતમાં બે બળદના પગ ભાંગી ગયા હતા. દક્ષિણ ગુજરાતી સુગર ફેક્ટરીઓમાં શેરડી કાપવા આવેલ મજૂરો હાલના ઉનાળાના દિવસોમાં વતન મહારાષ્ટ્ર તેમજ ડાંગ તરફ જઈ રહ્યાં છે.
મજુરોના પરિવરોને ટ્રકોમાં ઘેંટા-બકરાની જેમ ભરી પશુઓ સાથે મુસાફરી કરાવાઈ રહી છે.
આવી જ એક ટ્રક વ્યારા સોનગઢ હાઇવે પર ગતરોજ સવારના અરસામાં માંડળ અને કીકાકુઈ ગામની સીમમાં પલટી ગઈ હતી. ટ્રક પલટી જતા તેના પાછળના ભાગમાં ભરેલ ૮થી ૧૦ જેટલા બળદ, બકરાની સાથે બેસેલા બે મજૂરો પણ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. કેબિનમાં બેસેલ બાળકો અને મહિલાઓ પણ ટ્રકની બહાર ફેંકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘવાઈ હતી. એક બળદનું ઘટના સ્થળે મોત નીપજય હતું અને બે બળદોના પગ ભાંગી ગયા હતા. ત્રણ જેટલા બળદ ઉઠી-ચાલી શકતા ન હતા. જોકે ટ્રકને ક્રેઈનની મદદથી સીધી કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત થયા પછી ગરીબ મજૂરો તેમના બળદો અને વેર વિખેર થયેલ માલ સામાન સાથે બનાવના સ્થળે કલાકો સુધી પડી રહ્યાં હતા.




