ડાંગ જિલ્લામાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદે બીજા દિવસે પર્યટકો માટે આહલાદક વાતાવરણ સર્જયું હતું. વરસાદી માહોલ બાદ સમયાંતરે છવાઈ જતી ધુમ્મસની સફેદ ચાદર સાપુતારાનાં કુદરતી સૌંદર્યને વધુ આહલાદક બનાવી રહી છે.
પ્રવાસીઓ આ ધુમ્મસિયા વાતાવરણ વચ્ચે સાપુતારાના અનોખા નજારાનો મનભરીને આસ્વાદ માણી રહ્યા છે. શહેરોના ધમાલિયા અને પ્રદૂષિત વાતાવરણથી દૂર, શાંતિ અને કુદરતી સૌંદર્યમાં સમય વિતાવવા માટે સાપુતારા એક ઉત્તમ વિકલ્પ સાબિત થયુ છે. અણધાર્યા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતા ગિરિમથક સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. ધુમ્મસને કારણે થયેલ વાતાવરણમાં બદલાવ પ્રવાસીઓ માટે એક અનમોલ ભેટ સમાન બની છે. જેઓ ઉનાળાની રજાઓમાં ઠંડક અને પ્રકૃતિની ગોદમાં શાંતિ શોધી રહ્યા છે. સાપુતારા જે તેના લીલાછમ પહાડો, મનોહર દ્રશ્યો અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. તે હવે કમોસમી વરસાદ અને ધુમ્મસને કારણે વધુ આકર્ષક બન્યુ છે.
