ડાયમંડ સીટી સુરતમાં જન્માષ્ટમીની રજાનો લાભ ઉઠાવી તસ્કરોએ દિલધડક ચોરીને અંજામ આપ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ આ મામલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર સુરતમાં છેલ્લા ત્રણેક દિવસની જન્માષ્ટમીની રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં આવેલી ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને ૨૦ કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને કટરથી કાપી હતી અને 20 કરોડથી વધુના હીરા, રોકડની ચોરી કરી હતી. જો કે તેની સાથે જ તસ્કરો કંપનીની ઓફીસના સીસીટીવી-ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા.
ચોરીની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત પોલીસના DCP, ACP, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં થયલી ચોરીની ઘટનાથી ઉદ્યોગપતિઓ, કારખાનાદારો તેમજ સ્થાનીકોમાં ભયનો માહોલ છે.




