Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News : 15 વર્ષના સગીરને યુવતીના નામે બનાવેલા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કલ્યાણમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં 15 વર્ષના સગીરને યુવતીના નામે બનાવેલા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી હનીટ્રેપમાં સપડાવવામાં આવ્યો હતો. પ્રેમભરી વાતોમાં ફસાઈને યુવતીને મળવાને ઇરાદે કલ્યાણ ગયેલા સગીરનું અપહરણ કરી તેના વડીલો પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઊંડી તપાસ હાથ ધરી ચાર યુવકની ધરપકડ કરી સગીરને હેમખેમ છોડાવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રદીપ કુમાર જયસ્વાલ (24), વિશાલ પાસી (19), ચંદન મૌર્ય (19) અને સત્યમ યાદવ (19) તરીકે થઈ હતી. ચારેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અપહરણ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી 10મા ધોરણના વિદ્યાર્થીનો સંપર્ક સાધ્યો હતો. આ એકાઉન્ટ યુવતીના નામ-તસવીર સાથે બનાવવામાં આવ્યું હતું. આ એકાઉન્ટના માધ્યમથી સગીર સાથે પ્રેમભરી વાતો કરી તેનો વિશ્ર્વાસ સંપાદન કરવામાં આવ્યો હતો. ધીરે ધીરે સગીરને લાગણીના તાંતણે બાંધી દેવામાં આવ્યો હતો.બાદમાં આરોપીઓએ યોજનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું. આરોપીએ સગીરને કલ્યાણ પૂર્વમાં નાંદિવલી ખાતે મળવા બોલાવ્યો હતો. યુવતી સાથેના મીઠા વાર્તાલાપથી આકર્ષાયેલો સગીર ઍપ આધારિત કૅબથી કલ્યાણ પહોંચ્યો હતો, જ્યાં તેનો ભેટો યુવતીને બદલે ચાર આરોપી સાથે થયો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ચાર આરોપીએ સગીરનું અપહરણ કરી નજીકની ઈમારતના એક રૂમમાં પૂરી રાખ્યો હતો. પછી સગીરના પરિવારને વ્હૉટ્સઍપ વૉઈસ મેસેજ મોકલાવી આરોપીએ 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ પ્રકરણે સગીરના વડીલોએ 28 ડિસેમ્બરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે સગીરને કલ્યાણમાં છોડનારી કૅબને ટ્રેસ કરી ડ્રાઈવરને શોધી કાઢ્યો હતો. તેની પાસેથી મળેલી વધુ માહિતીને આધારે પોલીસે નાંદિવલીની એક રૂમ પર રેઇડ કરી હતી. ફરિયાદ મળ્યાના 24 કલાકમાં જ પોલીસે રૂમમાંથી સગીરને છોડાવી આરોપીઓની ધરપકડ કરી હતી. (એજન્સી)

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!