અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. શહેર SOG દ્વારા ડ્રગ્સ પેડલરને પકડવા જતાં તેણે પોલીસકર્મીઓ પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સતર્કતા દાખવીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ SOGની ટીમને બાતમી મળી હતી કે એક ડ્રગ્સ પેડલર શહેરના નહેરુનગર સર્કલ પાસે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસકર્મીઓએ જ્યારે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેણે પોલીસ પર કાર ચડાવી દીધી હતી. જોકે પોલીસકર્મીઓ સમયસર હટી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસના સઘન પ્રયાસો બાદ આ ડ્રગ્સ પેડલર હમજા શેખની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેની પાસેથી રૂ.5.81 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને વેચવાનું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરવા બદલ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે ડ્રગ્સ માફિયાઓ કાયદાનો ભંગ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શહેરમાં ડ્રગ્સના દૂષણ અને ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતાને ફરી એકવાર ઉજાગર કરી છે.




