અમેરિકાએ વર્ષ 2025માં એટલેકે 7 મહિનામાં અત્યાર સુધી 1703 ભારતીયોને અમેરિકામાંથી કાઢ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 141 મહિલાઓ છે.આ માહિતી વિદેશ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે શુક્રવારે લોકસભામાં આપી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2020થી 2024 વચ્ચે 5541 ભારતીયોને અમેરિકાથી ભારત પરત આવ્યા. આ વર્ષે 22 જુલાઇ સુધી અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા 1703 છે.
તેમણે સાથે એમ પણ કહ્યું કે બ્રિટનથી છેલ્લા 5 વર્ષોમાં 311 ભારતીયોને ડિપોર્ટ કરાયા. જ્યારે 2025માં અત્યાર સુધી 131 લોકોને ડિપોર્ટ કરાયા. ન્યૂઝ એજન્સી મુજબ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે બ્રિટનથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા કેટલોક તફાવત હોઇ શકે છે.
સરાકરી આંકડા મુજબ 1703 લોકોમાં 620 લોકો તો પંજાબના છે. જે બાદ હરિયાણાના 604 અને ગુજરાતના 245 લોકો તથા જમ્મુ અને કાશ્મીરના 10 લોકોનો સમાવેશ થાય છે. 6 લોકોના રાજ્યોની ઓળખ થઇ શકી નથી.
દેશનિકાલ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી ? કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીથી 22 જુલાઈ, 2025 દરમિયાન અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 1,703 ભારતીયોમાંથી 1,562 પુરુષો અને 141 મહિલાઓ હતી.
સરકારે અમેરિકા દ્વારા દેશનિકાલ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ વિશે પણ માહિતી આપી. મંત્રીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં, 333 ભારતીયોને યુએસ લશ્કરી વિમાન દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. જ્યારે માર્ચમાં 231 લોકોને યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના ચાર્ટર્ડ વિમાનો દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં 300 ભારતીયોને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) ના ચાર્ટર્ડ વિમાનો દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા.આ ઉપરાંત પનામાથી 72 લોકો કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા અલગ અલગ સમયે ભારત પરત ફર્યા હતા અને 767 ભારતીયોને યુએસથી કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. આ લોકો વ્યક્તિગત રીતે અથવા નાના જૂથોમાં પાછા ફર્યા હતા.




