વાપીના સલવાવ પાસે આવેલા કટારીયા શો રૂમની સામે રોડ ઉપર સુરત તરફ જઈ રહેલા ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનરના ચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. વાપીના સલવાવ ખાતે હાઇવે નંબર ૪૮ ઉપર સુરત તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા આગળ ચાલી રહેલા એક ટ્રેલરમાં તેનું વાહન જોરદાર રીતે અથડાયું હતુ. 
જોકે આ ઘટનામાં કન્ટેનરનો ચાલક સ્ટિયરિંગ વચ્ચે દબાઈ જતા તેના હાથપગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે સલવાવથી લઈને વાપી જકાતનાકા બ્રિજ સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને કારણે વાહન ચાલકોએ કલાકો સુધી જામમાં ફસાવવું પડયું હતુ. ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા વચ્ચે પડેલા વાહનોને ક્રેન વડે બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.



