ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતીએ 9 લોકો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી. પીડિતા બી.એ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર, તારીખ 16 અને 25 ઓગસ્ટ વચ્ચે ત્રણ અલગ-અલગ પ્રસંગોએ તેની પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. કેન્ટના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે કહ્યું હતું કે, ‘તારીખ 2 સપ્ટેમ્બરે એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પછી શુક્રવારના બપોરે અયોધ્યા પોલીસ અધિક્ષકે અન્ય બે આરોપીઓની ધરપકડ કર્યાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ધરપકડ કરાયેલા લોકોની ઓળખ વંશ, વિનય, શારિક, શિવા અને ઉદિત તરીકે થઈ છે. એફ.આઈ.આર. દાખલ થયાના એક દિવસ પછી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય બેની પછીથી ધરપકડ કરવામા આવી છે. જ્યારે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘તે અયોધ્યામાં રામજન્મભૂમિમાં સ્વચ્છતા કર્મચારી તરીકે કામ કરે છે અને સ્થાનિક કોલેજમાં બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસે પીડિતાની ફરિયાદ આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 127 (2) (ખોટી રીતે કેદ), 75 (જાતીય સતામણી) અને 70 (1) (સામૂહિક બળાત્કાર) હેઠળ સાત નામાંકિત અને બે અજાણ્યા લોકો સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




