ગાંધીનગર એલસીબી દ્વારા બાતમીના આધારે ગીયોડ પાસેથી પીછો કરી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે આ બુટલેગરોએ ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું બહાર આવ્યું હતું. ૪.૭૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઈડરથી નાના ચિલોડા તરફ જતા હાઇવે માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. જેના પગલે પોલીસ ટીમ દ્વારા ચંદ્રાલા ગામના પાટીયા પાસે આ કારની વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઉભી રહેવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો.
જોકે આ કારના ચાલકે પોલીસની સૂચનાને અવગણીને કાર દોડાવી દીધી હતી અને પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો શરૂ કર્યો હતો. જોકે ગીયોડ પાસે આ કારને ઝડપી લેવામાં આવી હતી અને તેમાં સવાર બે શખ્સોની પૂછપરછ કરતા તે રાજસ્થાન ઉદેપુરના દિનેશ હાજારામજી અહારી અને અખિલ નારાયણ રોત હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરના ટીન મળી ૮૬૩ નંગ કબજે કરવામાં આવ્યા હતા. આ બુટલેગરોએ કારની નંબર પ્લેટ પણ ખોટી લગાડી હોવાનું બહાર આવ્યું હતું. દારૂ સંદર્ભે પૂછપરછ કરવામાં આવતા રાજસ્થાનના નિલેશ ડામોરે આ દારૃનો જથ્થો મોકલ્યો હતો અને મહેશ નામનો શખ્સ પાંચ કિલોમીટર દૂર કારમાં પાયલોટિંગ કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી પોલીસે હાલ ૪.૭૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
