સોનગઢનાં નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી પોલીસે ઘેટાં બકરા ભરેલી ટ્રક સાથે બે શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, પોલીસે કુલ રૂપિયા ૧૪.૫૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસને બુધવારે સવારે તાપી કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળી હતી કે, માંડળ ટોલનાકા તરફથી ગેરકાયદે રીતે બકરા ભરેલ એક ટ્રક સોનગઢ આર.ટી.ઓ. તરફ આવનાર છે. 
તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા જ પોલીસે તેને રોકી તપાસ હાથ ધરતા ટ્રકમાંથી ૨૨ બકરા, ૧૮૧ બકરી અને ૧૫ માદા ઘેટાં મળી કુલ ૨૧૮ પશુ ખીચોખીચ હાલતમાં ભરેલા મળી આવ્યા હતા. આ ઘેટા-બકરા માટે ટ્રકમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા તથા પ્રાથમિક સારવારના સાધનો ઉપલબ્ધ ન હતા. જોકે ચાલક પાસે પશુઓની હેરફેર માટે સક્ષમ અધિકારી કે વેટનરી ઓફિસરનું પ્રમાણપત્ર ન હતું. તેથી પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ટ્રકના ચાલક અબ્દુલ ઈસ્માઈલ દીવાન ફકીર (રહે.મોડાસા, સહારા સોસાયટી, જી.અરવલ્લી) અને કાદર મોહમદ સિપાઈ (રહે.અલ્યાસ નગર સોસાયટી, મોડાસા, જી.અરવલ્લી)ની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અમદાવાદથી પશુ ભરી આપનાર અમદાવાદનાં રાણીપના હુસેન ઉર્ફે કાલુ મુસ્તુફા શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ, પોલીસે રૂપિયા ૬.૫૪ લાખની કિંમતના ઘેટાં બકરા, ૮ લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા ૧૪.૫૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



