દેવભૂમિ દ્વારકા સલાયાના દરિયામાં હોડી ડૂબી જતાં બે સગા ભાઈઓના મોતના અહેવાલ પ્રાપ્ત થયા છે. દરિયામાં કરન્ટ હોવાથી હોડી ડૂબી જતાં બે સગા ભાઈઓને દરિયો ગળી ગયો છે. અચાનક બંને ભાઈના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, સયાલા નાના આંબલા ગામના બે ભાઈઓ સલાયા બંદર નજીક કાળુભાર ટાપુ પાસે હોડી લઈને શિકાર કરવા ગયા હતા. સયાલાથી 4 નોટિકલ માઇલ દૂર કૂડચલનો શિકાર કરવા ગયેલ સીમરાજ ઘાવડા (ઉ.વ.24) અને મોહમ્મદહુસૈન ઘાવડા (ઉ.વ.27) નામના યુવકોની હોડી દરિયામાં ગરકાવ થઈ હતી અને બંને સગા ભાઈઓના મૃત્યુ થયા હતા. ઘટનાને લઈ કારાભાઈ ઘાવડાએ સલાયા મરીન પોલીસને જાણ કરી હતી.
