Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રૂપિયા ૪૦ કરોડના ખર્ચે બુડિયાગામ ખાતે ‘બુડિયા-ગભેણી જંક્શન નવનિર્મિત બે અંડરપાસનું લોકાર્પણ કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ(NHAI) દ્વારા ચોર્યાસી તાલુકાના બુડિયાગામ ખાતે બુડિયા-ગભેણી જંક્શન પર રૂ.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ‘બુડિયા-ગભેણી પાસે બે અંડરપાસ’નું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અંડરપાસનું નિર્માણ થતા સ્થાનિક ગ્રામજનોની સાથે હજીરાની કંપનીઓ અને સચિન-પાંડેસરા જીઆઈડીસીમાં અવરજવર કરતા હજારો વાહનચાલકોને મોટી રાહત થશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રામજનોએ હાઈવે પરની ચોકડી અંડરપાસ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરી હતી. જે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને કેન્દ્રીય મંત્રી નિતિનભાઈ ગડકરીના માર્ગદર્શન હેઠળ આ અંડરપાસનું નિર્માણ થતા ગ્રામજનોની માંગણી પૂર્ણ થઈ છે.

અંડરપાસથી ટ્રાફિકની સમસ્યા ઘટશે, અકસ્માતો ટળશે અને સમય તથા ઇંધણની બચત થશે. ચોર્યાસી તાલુકાના દરેક ગામોમાં સેંકડો વિકાસકાર્યો થઈ રહ્યા છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જીનની સરકાર વિકાસકામો પણ ડબલ ગતિથી કરી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે, દેશની સૌથી દુર્ગમ જગ્યાઓમાં જેવી કે જમ્મુ-કાશ્મીરમાં પણ બ્રિજો, રોડરસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસના નિર્માણથી ભારત પોતાની ક્ષમતા સિદ્ધ કરી રહ્યો છે. નવી ટેકનોલોજી સાથે અંગ્રેજોના સમયમાં બનેલા બ્રિજોની પણ સુધારણા કરી નવી ઓળખ ઉભી કરવામાં આવી છે. સોનેરી ભવિષ્ય માટે વરસાદી પાણીનો ભૂગર્ભ જળસંગ્રહ અને જળસંવર્ધન સુનિશ્ચિત કરવાનો અનુરોધ કરતા શ્રી પાટિલે જણાવ્યું કે, પાણી બચાવવું આપણી નૈતિક ફરજ છે. વરસાદનું એક પણ ટીપું વ્યર્થ ન જાય અને તે ભૂગર્ભમાં સંગ્રહિત થાય, ખેતી તેમજ પીવાના પાણી રૂપે ઉપયોગી બને તે માટે ‘કેચ ધ રેઇન’ અભિયાન હવે જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. જ્યાં જ્યાં પાણી એકત્ર થાય, ત્યાં વોટર હાર્વેસ્ટિંગ દ્વારા તેનો ભૂગર્ભમાં સંગ્રહ થવો જરૂરી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, રૂ.૪૦ કરોડના ખર્ચે બુડિયા-ગભેણી એમ બે જંકશન પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે અકસ્માતની ઘટનાઓ અટકશે અને લોકોને સુરક્ષિત અને સરળ માર્ગવ્યવસ્થા ઉપલબ્ધ થશે. આગામી દિવસોમાં આભવા-ખજોદ ચોકડી નજીક રૂ. ૯૩ કરોડના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ થશે. તેના ઉપરાંત કવાસ પાટીયા, રિલાયન્સ કંપનીના ગેટ નં.૧ પાસે પણ રૂ. ૧૫૨ કરોડના ખર્ચે મંજૂર થયેલા બ્રિજનું કામ શરૂ થવાનું છે. સચીનથી સાતવલ્લા સુધીનો બ્રિજ પણ રૂ. ૪૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. સરકાર સતત વિકાસની દિશામાં કાર્યરત છે અને માર્ગ, પરિવહન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી રહી છે, જેથી નાગરિકોને વધુ સગવડો મળી રહે અને સંકલિત વિકાસ શક્ય બને એમ શ્રી દેસાઈએ કહ્યું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!