મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ટ્રક, ત્રણ કાર અને ત્રણ બસો એકમેક સાથે અથડાતાં ભીષણ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં બે મહિલાનું મોત નિપજ્યું હતું. તો અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ખોપોલી પોલીસ સ્ટેશનની હદમાં મુંબઈ જતી લેન પાસે બન્યો હતો. ઘટના મુજબ, શનિવાર હોવાથી એકસપ્રેસ વે પર વાહનોની સંખ્યા વધુ હતી. દરમિયાન સાંજે ચાર વાગ્યાની આસપાસ એક્સપ્રેસ વેના ૩૭ કિલોમીટર નજીક એટલે કે ખોપોલી ફૂડ મોલ પાસે કોઈ કારણોસર ટ્રાફિક બંધ થઈ ગયો હતો.
આ સમયે એક ઝડપી ટ્રેલરે અર્ટિગા અને આઈટેન કારને જોરદાર ટક્કર મારી હતી. 
તો આ અકસ્માતમાં વસુધા જાધવ, સારિકા અવતાડે, ૯ વર્ષીય સારિકા જાધવ, ૩ વર્ષીય અવિનાશ જાધવ અને અક્ષય હલ્દનકર ઘાયલ થયા હતા. વધુમાં આ અકસ્માતને કારણે પુણેથી મુંબઈ તરફનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ હાઈવે પોલીસ, આઈઆરબી સિસ્ટમ, દેવદૂત સિસ્ટમ, ખોપોલી પોલીસ અને હેલ્પ ફાઉન્ડેશનની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાદ બચાવ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને તમામ ઘાયલોને વાહનમાંથી બહાર કાઢીને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે કલાકોની જહેમત બાદ દૂર ખસેડવામાં આવ્યા હતા અને ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.




