ઉચ્છલમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર રવિવારની રાત્રીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભડભૂંજા પાસે બાઈક રસ્તાની વચ્ચે આવેલ ડીવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સુરતના બે યુવકોએ જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના વરછામાં આવેલ લંબેહનુમાન વિસ્તારમાં રહેતા બે યુવકો (૧) હર્ષલ પાંડુરંગ પગારે (ઉ.વ.૨૨) અને (૨) વિજય મધુકર પગારે (ઉ.વ.૨૮)નાઓ ગત તારીખ ૨૦મી એપ્રિલ ૨૦૨૫ નારોજ હોન્ડા યુનિકોર્ન બાઈક નંબર જીજે/૦૫/એનડબ્લ્યુ/૨૫૫૦ લઈને નીકળ્યા હતા.
જોકે તે દરમિયાન રાત્રીના આશરે સાડા નવેક વાગ્યેની આસપાસ બાઈક ભડભુંજા ગામના ચાર રસ્તા પાસે સુરત-ધુલીયા નેશનલ હાઇવે નંબર- ૫૩ ઉપર રસ્તાની વચ્ચે આવેલ ડીવાઇડર સાથે બાઈક અથડાવી હતી. આ અકસ્માતમાં બંને યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઈક પાછળ બેસેલ હર્ષલનુ સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જયારે વિજયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બંને યુવકો સુરતના વરછામાં આવેલ લંબેહનુમાન રોડ, ભવાની સોસાયટીની સામે મકાન નંબર-૨૭૯,ગલી નંબર-૬ માં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે અજયભાઇ મધુકર પગારેની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે તારીખ ૨૧મી એપ્રિલ ૨૦૨૫ નારોજ BNS ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વ્હી.એક્ટ કલમ.૧૭૭,૧૮૪ મુજબ બનાવ દાખલ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.
