સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કર્યું છે. CISF ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને તારીખ 30 જૂનથી તારીખ 6 જુલાઈ 2025 દરમિયાન ઇર્મિંગહામ, યુએસએમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2025માં કુલ 64 મેડલ જીત્યા છે. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સએ વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રમતગમતની ઘટનાઓમાંની એક છે, જ્યાં વિશ્વભરના પોલીસ અને ફાયર કર્મચારીઓ વિવિધ રમતોમાં તેમની રમતગમત પ્રતિભાનું પ્રદર્શન કરે છે. આ વર્ષે, 70થી વધુ દેશોના લગભગ 10,000 ખેલાડીઓએ આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
CISF ટીમે 6 અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને અસાધારણ રીતે સારું પ્રદર્શન કરીને પોતાનું અદમ્ય સાહસ દર્શાવ્યું હતું. હિંમત, શક્તિ અને ઉત્કૃષ્ટ ટીમવર્કનું પ્રદર્શન કરવામાં આવ્યું. ટીમના દરેક ખેલાડીએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ભારતનો ધ્વજ લહેરાવ્યો. CISFના આ ઉત્કૃષ્ટ પ્રદર્શને કુલ 560 મેડલ સાથે ભારતને એકંદર મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ ભારત માટે એક મોટી સિદ્ધિ છે અને રમતગમતના ક્ષેત્રમાં આપણા પોલીસ અને ફાયર કર્મચારીઓની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે.
બિહારના રમતવીરોએ પણ આ ઉત્તમ પ્રદર્શનમાં ફાળો આપ્યો. ટીમનું પ્રદર્શન પ્રશંસનીય હતું. ખાસ કરીને, બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાની વિજયા કુમારીએ પોતાના અદ્ભુત પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેણીએ 100 મીટરમાં ગોલ્ડ મેડલ, 100 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ, 400 મીટર મિક્સ્ડ રિલેમાં ગોલ્ડ મેડલ, 200 મીટરમાં સિલ્વર મેડલ, 400 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ, 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતીને ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. CISF હંમેશા ફિટનેસ, શિસ્ત અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ટીમનું આ પ્રભાવશાળી પ્રદર્શન વિશ્વ મંચ પર આપણા કર્મચારીઓના શારીરિક અને માનસિક દૃઢ નિશ્ચયનો સીધો પુરાવો છે. આ સિદ્ધિ માત્ર CISF માટે ગર્વની ક્ષણ નથી પણ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. CISF ના સફળ પ્રદર્શન બદલ સીઆઇએસએફ યુનિટ યુટીપીએસ ઉકાઈના ડેપ્યુટી કમાન્ડેન્ટશ્રી આદિત્ય કુમાર દ્વારા બધાઈ આપવામાં આવે છે.
