સુરતના કામરેજ પોલીસની હદમાં ખોલવડનાં કણબીવાડ વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષીય ઇસ્માઇલભાઇ અકબરભાઈ શેખ હોમ એપ્લાઈનસીસ અને ઇલેક્ટ્રોનિક્સનો ધંધો અને ખેતી કરે છે. ૨૦૧૩ની સાલમાં અમદાવાદ રહેતા અંકીત પ્રશાંતકુમાર વ્યાસ અને તેની પત્ની વિપાષા વ્યાસ કામરેજનાં ખોલવડ ખાતે ઈસ્માઈલભાઈનાં શોરૂમ પર આવીને કહ્યું કે દિલ્હી ખાતે એરાઈઝ ઈન્ડિયા પ્રા.લી. નામની કંપની છે, જેનું સેલ્સને લગતુ તમામ કામ હું સંભાળુ છું, આ કંપની હોમ એપ્લાઈનસીસની વસ્તુઓ બનાવે છે.
આ કંપનીની તમે ડિલરશીપ લેશો તો તમને મોટો નફો થશે. તેમ જણાવી એકાદ વખત માલ મોકલ્યો હતો. ત્યાર બાદ અંકીતે ડ્રિમ કેર પ્રા.લી. કંપનીનાં સીઇઓ તરીકે રીનલબેનની ઈસ્માઈલભાઈ સાથે ઓળખાણ કરાવી એસીની ડિસ્ટ્રીબ્યુટરશીપ આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ સિલ્વર કોર્પોરેશન નામની પેઢી બનાવી ગત તા.૩૦-૧૨-૨૦૧૯નાં રોજ ૫૦ લાખ રૂપિયા ઓર્ડર સાથે રોકડા આપવા પડશે તેમ જણાવી ૬૦૦ એસીનો ઓર્ડર આપી ટૂકડે-ટૂકડે ચેક અને આરટીજીએસથી ૩૫ લાખ રૂપિયા ઈસ્માઈલભાઈ પાસેથી પડાવી લીધા હતા.ત્યારબાદ ૨૦૨૦માં કોરોનાનો સમય હોવાથી તમને માલ નહીં આપી શકીએ એમ કહી ચિટર ટોળકીએ ઈસ્માઈલ ભાઈને ડ્રિમ કેર પ્રા.લી. કંપનીનાં શેર લેવા માટે જણાવી શેર સર્ટીફીકેટ પધરાવી ૧ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આમ ટોળકીએ ૧.૫૫ કરોડ ખંખેરી લીધા હતા.
ઈસ્માઈલ ભાઈએ પોતાની જમીન વેચી તેના રૂપિયા ચીટરોને આપી દીધા હતા. ઈસ્માઈલભાઈએ તપાસ કરતા કંપનીનાં શેર પણ બોગસ નીકળતા હેબતાઈ ગયા હતા. તેમણે ઉઘરાણી કરવા છતાં ચીટરોએ રૂપિયા કે માલ નહીં આપતા આખરે કામરેજ પોલીસ મથકે (૧) અંકીત પ્રશાંતકુમાર વ્યાસ, (૧) વિપાષા અંકીત વ્યાસ (બંને રહે વેજલપોર, અમદાવાદ, (૩) રીનલ પટેલ (રહે.વડોદરા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




