વલસાડ એલ.સી.બી. પોલીસની ટીમે ગત તારીખ ૧૫-૧૨-૨૦૨૨ નારોજ પારનેરા પારડી હાઈવે પરથી પસાર થતી અને દારૂનો જથ્થો ભરેલ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી કારના ચાલકે તેની કાર રોંગ સાઈડથી હંકારી વાંકી નદીનાં પુલ પાસેનાં ખુલ્લા મેદાનમાં જવા પ્રયાસ કર્યો હતો. 
ત્યારબાદ ચાલક ત્યાં જ કાર મુકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી કારની તપાસ કરતા દારૂનો રૂ.૧,૨૦,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ ૬,૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તરીકે અશોક પરસોત્તમભાઈ વસોયા (મૂળ રહે. ઓરી, ભરથાણા, કામરેજ, સુરત)નું નામ બહાર આવ્યા બાદ હાલમાં તે નર્મદા જિલ્લાના રાજપીપળાના વડિયા ગામની મન મંદિર સોસાયટીમાં રહેતો હોવાની બાતમી વલસાડ જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને મળી હતી. જે બાતમીના આધારે છેલ્લા અઢી વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો હતો.




