આણંદ જિલ્લાનાં અમદાવાદ-વડોદરા હાઇવે ઉપર આણંદના વાસદ ગામના ટોલનાકા નજીકથી પૂંઠાના બોક્સની આડમાં રૂપિયા ૭૫ લાખ ઉપરાંતની રકમનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી ટ્રકને પોલીસે ઝડપી પાડી હતી. વાસદ પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી ૮૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ ટોલનાકા થઈ ટ્રક પસાર થવાની બાતમી વાસદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ વાસદ ટોલનાકા નજીક આવેલા હનુમાનજી મંદિર પાસે ઉભા હતા.
દરમિયાન આવેલી ટ્રકને ઉભી રાખી ટ્રકમાં સવાર ચાલક તથા ક્લિનરના મુનેશકુમાર સતીશકુમાર જાખડ અને જીતેન્દર રઘબીર દાનક બંને રહે. હરિયાણાવાળાની અટકાયત કરી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા પ્રથમ નજરે ખાખી કલરના બોક્સ ભર્યા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે પૂઠાના બોક્સ હટાવીને જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. ટ્રક પોલીસ મથકે લાવી ગણતરી કરતા રૂ.૭૫.૪૭ લાખની ૫૦૧ નંગ વિદેશી દારૂની પેટીઓ તથા બિયરના ટીન થયા હતા. પોલીસે ચાલક મુનેશકુમાર જાખડની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો પારડીના ઉમેશ બાબુભાઈ પટેલે પારડી વલસાડ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક લાવી આપી ત્રણેક મોબાઈલ નંબરના સંપર્કમાં રહી વેરાવળ સોમનાથ ખાતે કિશોર દેવીપુજક તથા જીગ્નેશ ચોમલને માલ પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૮૫,૫૩,૦૪૦/-નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
