તાપી જિલ્લામાં આજરોજ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે અને તારીખ ૨૫ જુન, બુધવારે મતગણતરી યોજાનાર છે. તાપી જિલ્લામાં ૩૭ ગ્રામ પંચાયતો સામાન્ય ચુંટણી અને ૧૦ ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી એમ મળીને કુલ ૪૭ ગ્રામ પંચાયતો પર ચુંટણી યોજાનારી છે.
જેમાં સરપંચની ૪૫ બેઠકો માટે ૧૧૯ ઉમેદવારો, જ્યારે વોર્ડ સભ્યની કુલ ૨૬૨ બેઠકો માટે ૬૧૧ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ૭ તાલુકાઓમાં ૭ ડીસ્પેચીંગ સેન્ટર સહીત ૨૬ રૂટની ફાળવણી કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૫ મતદાન મથકો પર ૪૧૪૪૩ મહિલા મતદારો તેમજ ૪૪૨૨૦ પુરુષ મતદારો પોતાનો મત આપશે. ૫૦૦ કરતા વધારે પોલીસ કાફલા સહીત કુલ ૧૫૯૬ અધિકારીઓ-કર્મચારીઓ ચુંટણીલક્ષી ફરજ બજાવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, તાપી તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્વક ચુંટણી પ્રક્રિયામાં જોડાઈ પોતાનો મતાધિકાર વાપરવા સૌ મતદારો અને નાગરિકોને અપીલ કરી છે.
