ભાવનગર જિલ્લાની ૨૩૩ ગ્રામ પંચાયતોમાં સરપંચો અને ૧૩૪૭ સભ્યો માટેની ચૂંટણીમાં ફરિયાદકા અને આંબલા ગામના વિવાદને છોડી ઉંચા મતદાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી-પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સામાન્ય,વિભાજન,મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે ગ્રામ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં મતદાતાઓએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા. જેના કારણે સામાન્ય ચૂંટણીમાં અંદાજિત ૭૧.૫૦ ટકા જેટલું ઉંચું મતદાન નોંધાયું હતું. જયારે, પેટા ચૂંટણીમાં અંદાજિત ૫૯.૪૬ ટકા મતદાન થયું હતું. ભાવનગર જિલ્લાની ૨૨૦ ગ્રામ પંચાયતની સામાન્ય,વિભાજન,મધ્યસત્રઅને ૧૩ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીને લઈ સવારથી માહોલ જામ્યો હતો.
ગામડાઓમાં પ્રારંભિક બે કલાકમાં મતદારોની સંખ્યા ઓછી રહી હતી. જેના કારણે નીચું મતદાન થવાની ઉમેદવારો તથા તેના સમર્થકોને ચિંતા વધી હતી.
જેમાંથી ૧,૮૪,૬૧૫ પુરૂષ (૭૪.૩૦ ટકા) અને ૧,૫૮,૪૧૩ સ્ત્રી મતદારો (૬૮.૪૮ ટકા) મળી કુલ ૩,૪૩,૦૨૮ મતદારોએ લોકશાહીના પર્વમાં જોડાઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો ૧૩ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં નોંધાયેલા ૨૫,૪૧૨ મતદારો પૈકી ૮,૦૧૯ પુરૂષ અને ૭,૦૯૨ સ્ત્રી મળી કુલ ૧૫,૧૧૧ મતદાતાએ મતદાન કર્યું હતું. સાંજે છ કલાકે મતદાન પૂર્ણ થતાં ચૂંટણી કર્મચારીઓએ તમામ કાર્યવાહીને આટોપી મતપેટીઓને સ્ટ્રોંગરૂમમાં મુકી હતી. ૨૩૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાંચ ડિવાયએસપી, ૧૮ પીઆઈ, ૨૨ પીએસઆઈ, ૭૪૩ પોલીસ જવાન, ૧૧૦૭ હોમગાર્ડ-જીઆરડી અને એક એસઆરપીની ટૂંકડી ખડેપગે રહી હતી.વધુમાં ગામડાઓમાંથી શહેર અથવા તાલુકા મથકોએ જઈ ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા મતદાતાઓને મતદાન મથકે લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા, દા’ડી પણ આપવામાં આવી હોવાનું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.
સિહોર તલાકાના બુઢણા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક જ રૂમમાં ત્રણ-ત્રણ વોર્ડના મતદાન મથકો ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે મતદારોની કતારો લાગતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ સાથે મતદારોનો સમયનો પણ વ્યય થયો હતો. બુઢણા ગ્રા.પં.ની ચૂંટણીમાં ૭૮ ટકા જેટલું ઉંચું મતદાન થયાનો અંદાજ છે. મહુવા તાલુકાની ૪૧ ગ્રામ પંચાયતની સામાન્ય,વિભાજન,મધ્યસત્ર અને પેટા ચૂંટણીમાં વરસાદનું વિઘ્ન નડયું હતું. ૧૩૦ મતદાન મથક પર બપોર સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. બપોરે મેઘરાજાની પધરામણી થતાં તેની અસર મતદાન ઉપર જોવા મળી હતી. વરસાદના કારણે ઘણાં મતદાતાઓ મતદાન કરવા પહોંચ્યા ન હતા.
