દેશભરમાં હવામાનની અનિશ્ચિતતાએ ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 5 દિવસ સુધી દેશના 15 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડું અને ગાજવીજની સ્થિતિ સર્જાશે. ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને દક્ષિણ ભારત સુધી આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળશે, જેના કારણે પવનની ગતિ 50 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.હવામાન વૈજ્ઞાનિકોના મતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી વાદળો ઝડપથી બંધાઈ રહ્યા છે, જેના કારણે અચાનક હવામાન પલટાઈ રહ્યું છે. આગામી 4 થી 5 દિવસ સુધી આ સિસ્ટમ સક્રિય રહેશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે કરા પડવાની પણ સંભાવના છે. જોકે, આ ફેરફારથી તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી રાહત મળશે, પરંતુ જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે : રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દિવસ દરમિયાન ગરમી વધશે અને રાત્રે ઠંડકનું પ્રમાણ ઘટશે. બે દિવસ બાદ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત્ છે.
રાજ્યવાર હવામાનની સ્થિતિ પર એક નજર કરીએ તો,દિલ્હી-એનસીઆરમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ રહેશે. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની સૌથી વધુ અસર જોવા મળશે.ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે.ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide)નો ખતરો છે.આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ફરીથી શિયાળા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ ચાલુ રહેશે.જયપુર, બીકાનેર અને જોધપુરમાં ધૂળની ડમરીઓ સાથે હળવા વરસાદની આગાહી છે.
પશ્ચિમ બંગાળમાં 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ છે. આસામ અને મેઘાલયમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે દક્ષિણમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હીટવેવની સ્થિતિ જોવા મળશે.હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં વીજ પુરવઠો ખોરવાવાની કે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે સતર્ક રહેવા અપીલ કરી છે.



