ગીરગઢડાના ઉગલા ગામની સીમમાં શિયાળનાં મોઢામાંથી મરઘીને બચાવવા જવામાં વીજ કરંટ લાગવાથી યુવાન મોતને ભેટી ગયો હતો. આ ઘટનામાં મૃતકના પિતાએ ખેતરના તારની વાડમાં કરંટ મુકનાર બે ખેડૂત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઊગલા ગામની સીમમાં રહેતા નારણભાઈ ગોવિંદભાઈ સોલંકીએ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં બે ખેડૂત સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું છે કે, તેમનો પુત્ર કનુભાઈ ખેત મજુરી કામ માટે સીમ વિસ્તારમાં કુબામાં રહેતો હોય અને સાંજે શિકારની શોધમાં આવી ચડેલા શિયાળે કૂબામાં ઘુસી એક મરઘીને મોઢામાં લઇ ભાગવા લાગતા મરઘીને બચાવવા કનુએ તેની પાછળ દોટ મૂકી હતી.
આ દોડાદોડીમાં એક ખેતરના શેઢે સિમેન્ટના પાઇપમાં બાંધેલા વીજ તારને અડી જતાં કનુ બેભાન હાલતમાં ત્યાં જ પડી ગયો હતો. બાદમાં તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવારમાં લઇ જવાતા ફરજ ઉપરના ડોકટરે વીજ કરંટનો શોર્ટ લાગવાથી કનુભાઈનું મોત થયાનું જાહેર કર્યું હતું. આ ઘટનામાં મૃતકના પિતા નારણભાઈએ ખેતરના ખેડૂત ભાણજીભાઈ લાખાભાઈ ડાંગોદરા અને તેના ભાઈ શાંતિભાઈ લાખાભાઈ ડાંગોદરા (રહે.ઉગલા) સામે ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, આ બંને ખેડૂતોએ તેમના ખેતરના ફરતે શેઢે સિમેન્ટના પાઇપ નાખી તેની ફરતે લોખંડના વાયરો ફીટ કરી તેમાં જીવંત વીજ પ્રવાહ ગોઠવ્યો હતો.
બંને એ પણ જાણતા હતા કે જો કોઈ વ્યક્તિ આ વાયરને અડી જાય તો શોર્ટ લાગવાથી તેનું મૃત્યું થઈ શકે તેમ છતાં વીજ પ્રવાહ મુકવાનું ગેરકૃત્ય કર્યું હતું અને આ વીજ કરંટ લાગવાથી મારા પુત્ર કનુભાઈનું મોત થયું છે. આ બનાવમાં પોલીસે બી.એન.એસ. અધિનિયમ ૧૦૫ અને ૫૪ મુજબ બંને ખેડૂત સામે ગુનો દાખલ કરી તેમને પકડવા પીએસઆઇ એન.બી.ચૌહાણે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




