દેશમાં જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરીમાં સતત ત્રીજા મહિને વધીને ૧.૮૧ ટકાએ પહોંચી ગયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે. ખાદ્ય વસ્તુઓ, બિન ખાદ્ય વસ્તુઓ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓની કીંમતોમાં માસિક ધોરણે વૃદ્ધિ થવાને કારણે જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવાનો દર ગયા વર્ષે જાન્યુઆરીમાં ૨.૫૧ ટકા જ્યારે ડિસેમ્બર, ૨૦૨૫માં ૦.૮૩ ટકા રહ્યો હતો. 
ડબ્લ્યુપીઆઇનાં આંકડા અનુસાર જાન્યુઆરીમાં ખાદ્ય વસ્તુઆનો ફુગાવો ૧.૫૫ ટકા રહ્યો જ્યારે ડિસેમ્બરમાં તેમાં ૦.૪૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શાકભાજીનો ફુગાવો જાન્યુઆરીમાં ૬.૭૮ ટકા અને જ્યારે ડિસેમ્બરમાં તેમાં ૩.૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મેન્યુફેકચરિંગ વસ્તુઓનો ફુગાવોે જાન્યુઆરીમાં વધીને ૨.૮૬ ટકા અને ડિસેમ્બરમાં ૧.૮૨ ટકા હતો. બિન ખાદ્ય વસ્તુઓનો ફુગાવો જાન્યુઆરીમાં ૭.૫૮ ટકા જ્યારે ડિસેમ્બરમાં ૨.૯૫ ટકા હતો. ઇંધણ અને વીજળી સેક્ટરનો ફુગાવો જાન્યુઆરીમાં ૪.૦૧ ટકા અને ડિસેમ્બરમાં ૨.૩૧ ટકા હતો. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૬માં રીટેલ ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો હતો.



