વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સુરતની પરંપરાગત જરીજરદોશી વર્કને વૈશ્વિક ઓળખ મળે, બહેનોને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા તેમજ મહિલાઓ ઘરેથી કામ કરી જરી જરદોશીની કલાને જીવંત રાખે એ હેતુથી એ માટે સુમુલ ડેરીના સહયોગથી અમી હેન્ડીક્રાફ્ટ-સુરત દ્વારા તાજેતરમાં જરીજરદોશી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૧૨૭ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જરીજરદોશીની ઉમદા કૃતિઓ બનાવી વિજેતા બનેલી બહેનોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવા માટે શ્રીમતી સંધ્યાબેન અનુપમસિંહ ગેહલોત, પૂર્વ કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અરૂણભાઇ પુરોહિત તથા અન્ય મહાનુભાવોના ઉપસ્થિતિમાં સુમુલ ડેરી ઓડિટોરિયમ ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો.
સ્પર્ધામાં વિજેતા બનનાર ૨૦ બહેનોને વિવિધ કેટેગરીમાં ઇનામ, સર્ટિફીકેટ આપી પ્રોત્સાહિત કરાઈ હતી. આ પ્રસંગે શ્રીમતી સંધ્યાબેન ગહલોતે જણાવ્યું હતું કે, પૂરાતનકાળમાં રાજા-રજવાડાઓમાં પ્રચલિત જરદોશી કળા આજે સુરતમાં જીવંત રહી છે. અમી હેન્ડીક્રાફ્ટ-સુરત દ્વારા સુરતના જુદા-જુદા વિસ્તારની બહેનોને સ્વરોજગારી મળે અને સ્વનિર્ભર બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે મહિલા સ્પર્ધકોનો ઉત્સાહ વધારી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના સંદર્ભમાં જરી-જરદોશીની કળાનું કામ ગમતું હોય તો તમારે માટે આજનો દિવસ મહિલા વિશ્વ દિવસ છે એમ જણાવી મહિલા સશક્તિકરણની દિશાનું આ પગલું ભરવા બદલ સૌને શુભકામના પાઠવી હતી.
સંધ્યાબેને વધુમાં જણાવ્યું કે, જરીકલા આપણી પ્રાચીન ધરોહર છે. તે ધીરજ અને કાળજી માંગી લે છે. પરંતુ આ કળામાં પારંગત થયા બાદ આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. સાથોસાથ સમય જતા આર્થિક પીઠબળ પણ પૂરું પાડે છે એમ જણાવી મહિલા દિવસ અગાઉ મહિલાઓને સન્માનિત અને પુરસ્કૃત કરવાથી મહિલા દિવસની ઉજવણી આજે સાર્થક થઇ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ટેક્ષટાઈલ મિનિસ્ટ્રીની હેન્ડીક્રાફ્ટની વિવિધ તાલીમ દ્વારા બહેનો સુરતની આ જરી-જરદોશીના કળાને વધુ કૌશલ્યથી જીવંત રાખે અને સુરતની પ્રાચીન ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જવા અનુરોધ કર્યો હતો.
