વલસાડ જિલ્લામાં તા.૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૪ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અર્થે ધરમપુરા મહારાણા પ્રતાપ હૉલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓને રોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ સાથે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની ઉત્પાદન સમિતિના અધ્યક્ષ ઊર્મિલાબેન બિરારી, કેળવણી મંડળના પ્રમખ ગણેશ બિરારી અને નગરપાલિકાના માજી ઉપ-પ્રમુખ નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર દેસાઈ, જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્ટાફ, લીડ બેન્ક મેનેજર અને સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ, PBSC સ્ટાફ, DHEW નો સ્ટાફ, W CO સ્ટાફ હાજર રહ્યો હતો. આ મેળામાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દીકરી યોજનાના કુલ- ૦૩ મંજૂરી હુકમ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કુલ- ૦૨ સખી મંડળ ગ્રુપને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ મેળામાં રોજગાર મળી રહે તે માટે કુલ ૪૨૭ લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી વિવિધ કંપનીઓમાં કુલ-૨૬૯ લાભાર્થીઓની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી.
