જુનાગઢનાં માણાવદર શહેરમાં 10 તેમજ જીંજરી, શેરડી, સરદારગઢ, ગણા સહિતના ગામડાઓમાં 14-15 ઇંચ તેમજ લીંબુડા, સરાડીયા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગામડાઓમાં નવથી દસ ઇંચ વરસાદ પડતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. માણાવદર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી પહોંચી ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી જતા 378 લોકોને સ્થળાંતર કરવું પડયું હતું. જ્યારે આઠ દિવસની એક બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરવા પડયું હતું. માણાવદર પંથકમાં જળપ્રલય જેવી હાલતથી લોકોમાં ચિંતા વ્યાપી છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. માણાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ગત રાત્રિથી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. રવિવારે માણાવદર શહેરમાં 10 ઈંચ તેમજ જીંજરી, સરદારગઢ, ગણા, શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 14થી 15 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે લીંબુડા, પાજોદ, સરાડીયા, વેકરી, મરમઠ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 9થી 10 ઈંચ પાણી વરસ્યું હતું. ભારે વરસાદના કારણે ચારે તરફ જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ હતી. માણાવદર શહેરમાં ગાયત્રી મંદિર, ગિરીરાજનગર, ગોકુલનગર, બાવાવાડી, સ્ટેશન પ્લોટ, મફતીયાપરા, બસ સ્ટેન્ડ સામે તેમજ પાછળના વિસ્તારમાં, શાક માર્કેટ ગલી, બાગ દરવાજા સહિતના વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ગાયત્રી મંદિર તથા તેના કાંઠા વિસ્તારમાં તો પુર જેવી સ્થિતિ થઈ ગઈ હતી.
ઘરમાં પાણી ઘુસી ગયું હતું. રોડ પર વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી ભરાઈ ગયું હતું. પોલીસે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. આ વિસ્તારમાંથી આઠ દિવસના બાળક તેમજ તેના માતા અને 10 લોકોનું પોલીસે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડયા હતા. આ ઉપરાંત ગાયત્રી મંદિર, બસ સ્ટેશન સામે તેમજ મહાદેવીયા પાસેના વિસ્તારમાંથી 378 તેમજ તાલુકામાંથી કુલ 1100 જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. મામલતદારે જણાવ્યું હતું કે, આ લોકોને બ્રહ્મ સમાજ તેમજ સતવારા સમાજમાં આશરો આપી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રસાલા ડેમમાં ઘોડાપુર આવ્યું હતું.
રિવરફ્રન્ટ સુધી પાણી પહોંચ્યું હતું. મેઘરાજાના આ સ્વરૂપને જોઈ શહેરીજનોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે માણાવદર તાલુકાના જીંજરી, સરદારગઢ, લીંબુડા, થાનીયાણા, રોણકી, જાંબુડા, ગણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 14થી 15 ઈંચ તેમજ સરાડીયા, બાંટવા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 9થી 10 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ હતી. ખેતરો પાણીમાં ગરકાવ બની જતા વ્યાપક નુકસાનની ભીતિ સર્જાઈ છે. શેરડી ગામ નજીક 66 કેવીમાં પાણી ભરાઈ ગયું હતું. આ ઉપરાંત ઈન્દ્રા નજીક આવેલા પ્રસિધ્ધ પંજુરી હનુમાન મંદિરના પટાંગણ સુધી પાણી પહોંચી ગયું હતું. ભારે વરસાદ તેમજ પુરના લીધે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ થઈ ગયા હતા.




