સુરતનાં સૈયદપરા વિસ્તારમાં રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા. સુરતના સૈયદ પરા વિસ્તારમાં રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો.
પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રાજકારણી અને પોલીસને પણ ધક્કે ચડાવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્ત્વો પર બુલડોઝર ફેરવો તેવી માંગણી કરી હતી. દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો.
આ ઘટનાના બીજે દિવસે એટલે કે આજે સોમવારે પાલિકા તંત્ર એ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જોકે માથાભારે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રમક વિરોધ કર્યો હતો. હાલ સ્થિતિ હોવાથી સ્થળ પર પોલીસ પણ હતી. જેને કારણે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે.



