યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત, તાપી દ્વારા તારીખ ૦૯ જુલાઈ 2025 નારોજ વ્યારાની ઈન્દુ નર્સિંગ કોલેજમાં “ફ્લેગશિપ યોજનાઓ” વિષય પર એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 120થી વધુ ઉત્સાહી સહભાગીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ મુખ્ય યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો જેથી તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે.
વર્કશોપ દરમિયાન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સખી વન સ્ટોપ સેન્ટર, સાઈબર ક્રાઈમ, મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ, તેમજ માય ભારત યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘સખી વન સ્ટોપ સેન્ટર’માંથી ઉપસ્થિત શ્રીમતી મીનાબેન પરમાર દ્વારા મહિલાઓના સંરક્ષણ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. માય ભારત, સુરતના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માએ “માય ભારત પોર્ટલ” વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને યુવાનોને આ પોર્ટલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. ઉપસ્થિત અન્ય અધિકારીઓ દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપ યુવાનો માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક રહ્યો હતો, જે તેમને ભવિષ્યમાં ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવામાં મદદરૂપ થશે.
