વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય પ્રત્યે સર્વાંગી અભિગમ રાખવામાં આવ્યો હતો. ટીબીના દર્દીના કલ્યાણ અર્થે ‘‘અક્ષય સખ્ય પ્રોજેક્ટ’’ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ટીબીના દર્દીના સામાજિક, આર્થિક અને ભાવનાત્મક ઉન્નતિ માટે પીએચસી ચણવઇના દરેક અધિકારી, કર્મચારી અને આશા જૂથ સંલગ્ન રહેશે. આજના ત્રિસ્તરીય અભિગમમાં યોગ, કાઉન્સેલિંગ, બ્લડ સુગર ટેસ્ટ, બ્લડ પ્રેશર ચેકઅપ, ન્યુટ્રિશનલ કીટ (મગ, ચણા, ગોળ, ખજૂર), સ્ટીલના ડબ્બા, તાંબાના કળશ, માસ્ક, શમશની વટી, સરગવો, વડ, બદામ અને જમરૂખના છોડ દરેક દર્દીઓને આપવામાં આવ્યાં હતા.
દર્દીઓ સાથે મૈત્રીભર્યા અભિગમથી ટીબી રોગની સઘન સારવાર વધુ જીવંત બની શકે છે. ચણવઇ પીએચસીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા ટીબી રોગ, લક્ષણો, સારવાર અને દવા અંગેના રંગબેરંગી ચાર્ટ અને બેનર બનાવી પ્રદર્શની યોજવામાં આવી હતી. જેને આમંત્રિત મહેમાનો અને દર્દીઓએ નિહાળી તમામ સીએચઓના દર્દી પ્રત્યેના હકારાત્મક અભિગમને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના ટીબી, રક્તપિત નિવારણ મંડળના પ્રમુખ ડૉ.પરેશ અધર્વ્યુ, સેક્રેટરી અરવિંદભાઈ શાહ, ટ્રેઝરર હેમેન્દ્રભાઈ શાહ અને લાયન્સ ક્લબ ગણદેવીના પ્રમુખ પ્રીતિબેન, અરવિંદભાઈ અને સાઈકલિસ્ટ નિખિલભાઈએ હાજર રહી દરેક દર્દીઓને આરોગ્યવર્ધક પોષણ કીટ આપી હતી.
ડૉ.પરેશ અધર્વ્યુએ પોતાના વકતવ્યમાં ટીબીને નાબૂદ કરવા સહિતની ઉમદા વાતો કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. હેલી અને ડૉ.ઉર્જા પટેલે કર્યુ હતું. આભારવિધિ અરવિંદભાઈ શાહે કરી હતી. ભારત સરકારના ટીબી નિયંત્રણ હેઠળ ટીબી મુક્ત ગુજરાત અંગેની પહેલનું આ અગ્રીમ પગલું છે જે સરાહનીય છે. કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ,કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આશાબેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
