ગાંધીનગર: સરકારના સતત અવેરનેસ કાર્યક્રમો છતાં ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. 1 જાન્યુઆરીથી 31 જુલાઈ 2026 દરમિયાન રાજ્યમાં સાયબર ફ્રોડની 1,06,882 ફરિયાદો નોંધાઈ છે. એટલે કે દરરોજ સરેરાશ 504 અને દર કલાકે લગભગ 21 ફરિયાદો નોંધાઈ રહી છે.
આ પૈકી OTP ફ્રોડના 26,041 કેસ સાથે તે સૌથી મોટી કેટેગરી રહી હતી. ત્યારબાદ ફેક ઓળખથી છેતરપિંડીના 21,023 અને ઓનલાઈન શોપિંગ ફ્રોડના 15,084 કેસ નોંધાયા છે. આ ત્રણ કેટેગરી મળીને કુલ ફરિયાદોના આશરે 58 ટકા છે.સાયબર ગુનેગારો દ્વારા ડિજિટલ એરેસ્ટ, બ્લેકમેઇલિંગ અને નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ જેવી પદ્ધતિઓનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. એસ્કોર્ટ ફ્રોડના 1,257, બ્લેકમેઇલિંગના 847, ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલના 495, ન્યૂડ વીડિયો-કોલ ફ્રોડના 493 અને મેટ્રિમોનિયલ ફ્રોડના 241 કેસ નોંધાયા છે.નિષ્ણાતોના મતે, સાયબર ગુનેગારો ટેક્નોલોજી કરતાં લોકોના વિશ્વાસ અને ભયનો વધુ દુરુપયોગ કરી રહ્યા છે.
ટોપ-5 સાયબર ફ્રોડ: OTP – 26,041 | ફેક ઓળખ – 21,023 | ઓનલાઈન શોપિંગ – 15,084 | ઈન્વેસ્ટમેન્ટ/શેરબજાર – 7,228 | લોન એપ – 5,110.



