મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ અને કાશ્મીર-હિમાચલમાં પૂરને કારણે ફળોની આવકમાં ઘટાડો થવાથી કિંમત ઊંચે ચડવા માંડી છે. નવી મુંબઇ એ.પી.એમ.સી.ની મોટામાં મોટી હોલસેલ માર્કેટમાં આ વખતે ફળોની કિંમતમાં ૧૫થી ૨૫ ટકાનો વધારો થયો છે. ભાવ હજી વધવાની શક્યતા છે. નવી મુંબઇ હોલસેલ ફ્રુટ માર્કેટમાં ભાવ વધારો થયો છે તેના પગલે રિટેલ માર્કેટમાં ભાવ ઉંચકાયા છે. જોકે રિટેલમાં એરિયા પ્રમાણે જુદા જુદા ભાવ જોવા મળે છે. નવી મુંબઇની ફળ બજારોમાં દરરોજ કાશ્મીર અને હિમાચલના ૩૮૦થી ૪૦૦૦ ટન સફરજનની આવક થાય છે. વધુ આવક થતી હોવા છતાં આ સફરજનની કિંમતમાં પચ્ચીસ ટકાનો વધારો થયો છે. આવી જ રીતે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દાડમના ભાવ બમણા થઇ ગયા છે. એ.પી.એમ.સી.ના વેપારીઓના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દુકાળની સ્થિતિને કારણે સંતરા અને કેળા જેવાં ફળોની આવક પર માઠી અસર થઇ છે.
જોકે પશ્ચિમ મહારાષ્ટ્રથી આવતા સીતાફળની તેમજ રાજ્યમાં પાકતા લાલ દાડમની આવક સારા પ્રમાણમાં થઇ રહી છે. આવક સારી હોવા છતાં કિંમતમાં વધારા પાછળનું કારણ આવતા વેપારીઓએ જણાવ્યું હતું કે, ઇંધણની કિંમતમાં વધારો થવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે. એટલે કિંમતમાં થોડો વધારો થયો છે. દરમ્યાન ઇરાન-અમેરિકાના યુદ્ધને પગલે દરિયાઇ વ્યાપાર પર વિપરિત અસર થતા ભારતમાં આયાત કરવામાં આવતા ફળો મોંઘા થઇ ગયા છે. દક્ષિણ આફ્રિકાથી સિટ્રસ, મેંડરિન એવાકાડો, ન્યુઝીલેન્ડથી અને વોશિંગ્ટનથી સફરજનની આવક ચાલું છે. યુરોપ અને ઓસ્ટ્રેલિયાથી કીવી, ચેરી અને બ્લ્યૂબેરી આવે છે. ક્રુડ ઓઇલ મોંઘુ થવાથી તેમજ વર્તમાન પરિસ્થિતિમાં આયાત-નિકાસ કરતી કંપનીઓએ પણ દર વધારી દેતા ઇમ્પોર્ટેડ ફ્રુટ મોંઘા થયા હોવાનું અનુમાન છે.(સૌજન્ય)




