આગામી સપ્તાહમાં વાવાઝોડાની આગાહીના કારણે દક્ષિણ ગુજરાતના તમામ બીચ ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીને કારણે તકેદારીના ભાગરૂપે સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકાના દાંડી અને ડભારી બીચ આવતી કાલથી 7 જૂન સુધી બંધ રહેશે. આ જાહેરાત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામાં દ્વારા કરી છે.
આ ઉપરાંત માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે દરિયા કિનારા પર લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે ડુમસ અને સુંવાલીના દરિયા કિનારા પર જવા માટે પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત વલસાડ, દમણ અને નવસારીના દરિયા કિનારે પણ નહીં જવા પર રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. કમિ ગેહલોતે જણાવ્યું કે, સુરત શહેરની હદમાં આવતા તમામ દરિયા કિનારાઓ પર હાલમાં પોલીસ મૂકી દેવામાં આવી છે. ડુમસ દરિયાકિનારો પણ હાલમાં પોલીસ મૂકી દેવાઇ છે.




