આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં દંતેલી સીમ વિસ્તારમાં આવેલ એક હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં ટ્રક ચાલકે મહિલા ઉપર દુષ્કર્મ ગુજારતા પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ 15 જુનના રોજ એક દંપતિ એક ટ્રકમાં સવાર થઈ વડોદરા તરફ જવા નીકળ્યું હતું.
તે દરમ્યાન ટ્રક સવારે દંતેલી સીમ વિસ્તારમાં આવેલ બળદેવ હોટલના ગ્રાઉન્ડમાં વિશ્રામ કરવા માટે ટ્રક ઉભી રાખી હતી. જ્યાં દંપતિ પૈકી પતિ રાત્રિના સુમારે નહાવા માટે ગયા હતા અને પત્ની ટ્રકના કેબીનમાં આરામ કરી રહ્યાં હતા ત્યારે ટ્રકના ચાલકે ટ્રકના કેબીનમાં આવી સૂઈ રહેલ મહિલાનો હાથ પકડી લીધો હતો. જેથી હેબતાઈ ગયેલ મહિલાએ બૂમાબૂમ કરી હતી. જોકે ટ્રક ચાલકે તેણીનું મ્હોં દબાવી તેણીની મરજી વિરુધ્ધ બળજબરીપૂર્વક શારિરીક દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.




