ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે ચાલુ વર્ષે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે જેમાં મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લા પાંચ માસમાં આશરે 220 ખાદ્યપદાર્થના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. રીપોર્ટમાં ભેળસેળ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકે તે માટે નમુના લેવામાં આવતા હોય છે અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. મહાપાલિકાના ફૂડ વિભાગે ગત જાન્યુઆરીથી મે માસ સુધીમાં ખાદ્યપદાર્થના આશરે 220 નમુના લીધા હતાં.
રૂટીન દિવસોમાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થના ઓછા નમુના લેવામાં આવે છે પરંતુ જુદા જુદા તહેવારોના દિવસોમાં તપાસ કરી વધુ નમુના લેવામાં આવતા હોય છે. ફૂડ વિભાગ દ્વારા દુધ, દુધની બનાવટની વસ્તુ, ઘી, ખાદ્યતેલ, રેસ્ટોરન્ટ, હોટલમાંથી ખાણીપીણીના નમુના, પેક અને છુટક 10 દુધના નમુના, મધ્યાહન ભોજનમાંથી 25 નમુના, સુકોમેવો, કેરીના રસના 26 નમુના, મસાલાના 30 નમુના, મીઠાઈ, ફરસાણ, પનીર, બરફના ગોળા પરની મલાઈ સહિતના ખાદ્યપદાર્થના નમુના લેવામાં આવ્યા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
પરંતુ હજુ મોટાભાગના રીપોર્ટ આવ્યા નથી. કેટલાક નમુના પાસ થઈ ગયા હોવાનુ જાણવા મળેલ છે. ખાદ્યપદાર્થના રીપોર્ટમાં ભેળસેળ જણાશે તો દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ફૂડ વિભાગ દ્વારા તપાસ કરી ખાદ્યપદાર્થના નમુના લેવામાં આવતા ભેળસેળ કરતા કેટલાક વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે, જેના કારણે લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે ત્યારે આવા વેપારીઓ સામે કડક પગલા લેવા માંગ ઉઠી રહી છે. કોઈ વેપારી દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવામાં આવતી હોય તો લોકોએ પણ ફૂડ વિભાગને જાણ કરવી જરૂરી છે. ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યપદાર્થના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે પરંતુ લેબોરેટરીમાંથી રીપોર્ટ આવવામાં લાંબા સમય લાગે છે તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.




