મુંબઈથી લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની. જોકે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ-વે પર બે કાર વચ્ચે એટલી હદે ભીષણ ટક્કર થઇ કે તેમાં ઓછામાં ઓછા 6 લોકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે. મૃતકાંક હજુ વધે તેવી શક્યતા છે. દુર્ઘટના રાતે 11 વાગ્યાની આજુબાજુની સર્જાઈ હતી.
જ્યારે એક કાર ઈંધણ ભરાવ્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર આગળ વધી ત્યારે નાગપુરથી મુંબઈ જતી અન્ય કાર સાથે તેની ધડાકાભેર ટક્કર થઇ હતી અને આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે હાજર લોકોના અહેવાલ અનુસાર બંને કાર વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે પૂરઝડપે આવતી અર્ટિગા હવામાં ફંગોળાઈ ગઈ અને હાઈવે પર લગાવેલા બેરીકેડ પર જઈને ભટકાઈ હતી. કારમાં સવાર તમામ 6 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા.
લોહીથી લથબથ હાલતમાં તેમના શબ રોડ પર પડેલા દેખાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેણે ક્રેઈનની મદદથી કારને હાઈવે પરથી હટાવી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે જાણકારી આપી કે અકસ્માતમાં બે કાર સામેલ હતી જેમાં એકનો નંબર MH/12/MF/1856 હતો. આ ગાડી ડીઝલ ભરાવીને રોંગ સાઈડમાં આગળ વધી હતી. જેની ટક્કર નાગપુરથી મુંબઈ આવતી કાર MH/47/BP/5478 સાથે થઇ હતી.



