હિમાચલપ્રદેશનાં મનાલીથી 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં ભારે નુકશાન થયું છે. અડધી રાતે પડેલા ભારે વરસાદ પછી આશરે 1 વાગ્યે અંજનિ મહાદેવ નાળામાં ભયાનક પૂર આવ્યું. જેના લીધે ધૂંધીથી પલચાન અને મનાલી શહેર સુધી અફરાતફરી થઈ ગઈ. વ્યાસ નદીનું જળસ્તર વધી ગયું. પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.
મનાલીના સોલંગવેલી રિસોર્ટ નજીકના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે નાળામાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જાય છે. પૂરની લપેટમાં આવતાં બે મકાનો પણ પાણીમાં વહી ગયાની માહિતી મળી હતી. આ ઉપરાંત આભ ફાટ્યા બાદ સર્જાયેલા પૂરમાં અનેક પશુઓ પણ તણાઈ ગયા હતા. અહીં આવેલા 9 મેગાવૉટના પાવર પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન થયું હતું. પલચાનથી આગળ આવેલા પુલ પર મોટા મોટા પથ્થરોનો ખડકલો સર્જાયો છે.
લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગોવિંદ સિંહ પણ ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. હાલ રસ્તો બંધ છે અને પથ્થરો ખસેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારે પૂરને લીધે અટલ ટનલથી ચાર કિ.મી. પહેલા આવેલા ધૂંધી ટનલથી લઈને પલચાન સુધી નુકસાનના અહેવાલ છે. એક જગ્યાએ સ્નોગેલેરી કાટમાળમાં બદલાઈ ગઈ છે. લેહ મનાલી વચ્ચેનો હિસ્સો પણ તૂટી ગયો છે. લાહોલ સ્પિતીમાં પ્રવાસીઓ ફસાયાની માહિતી મળી છે. હાઈવે પર વાહનોની અવરજવર અટકી ગઈ છે.




