Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

VNSGU ખાતે ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૪’ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં ‘નારી વંદન ઉત્સવ ૨૦૨૪’ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેની સાથે યોજાયેલા ‘મહિલા સ્વરોજગાર મેળા’માં રોજગારી પ્રદાન કરતી આઠ કંપનીઓ અને રોજગાર વાંચ્છુક ૩૭૩ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો અને ૧૧૮ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરાઇ હતી. યુનિવર્સિટીના રાજચંદ્ર હૉલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલપતિ ડૉ કિશોરસિંહ ચાવડાએ મહિલાઓને પોતાની કળા પારખી પસંદગી અનુસાર રોજગાર કરવા અને આત્મનિર્ભર બનવા હિમાયત કરી હતી.

તેમણે યુનિવર્સિટીમાં ચાલતા ૫૦૦થી વધુ સ્કીલ કોર્સિસ વિષે માહિતી આપી હતી. જે ૧૨ વર્ષની ઉંમરથી વધુના કોઈ પણ વ્યક્તિ શીખી શકે. અને તેના દ્વારા નવો વ્યવસાય શરૂ કરી શકે કે ચાલુ વ્યવસાયમાં નવી તકો ઊભી કરી શકે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં રોજગાર કચેરીના ડિસ્ટ્રિક્ટ કરિયર કાઉન્સેલર બિપિન માંગુકિયાએ રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને મળતી નોકરી કે સ્વરોજગારની તકો કે એ અંગેના માર્ગદર્શન વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી. સાથે જ રોજગાર વાંચ્છુકોને સરકારની યોજનાઓ વિશે માહિતી આપી તેના લાભ લેવા જણાવ્યું હતું. તેમણે રોજગાર કચેરી દ્વારા અવારનવાર કરાતા રોજગારી મેળા, સેક્ટર સ્પેસિફિક ભરતી મેળા, મહિલાઓ અને દિવ્યાંગો માટે થતા ભરતી મેળા, અંતરિયાળ ગામોમાં થતા ભરતી મેળા તેમજ અનુબંધમ પોર્ટલની જાણકારી આપી હતી.

ઉમેદવારોને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પરથી મળતી કરિયર ઇન્ફોર્મેશનની માહિતીનો ઉપયોગ કરી કરિયર માટેના ચોક્કસ લક્ષ્ય સાથે આગળ વધવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં હાજર પેનલ એડવોકેટ દિનેશ લીંબાચિયાએ શ્રમિક મહિલાઓને તેમના અધિકારો વિષે માહિતગાર કર્યા હતાં. જેમાં ગર્ભાવસ્થા દરમિયાનની રજાઓ, શારીરિક કે માનસિક શોષણ સામેના કાયદાઓ, સમાન વેતન અધિકાર, કામકાજના સ્થળે યોગ્ય વાતાવરણ, શિફ્ટ અનુસાર કામ કરવાના સ્થળે સુરક્ષા જેવા કામ કરતી મહિલા કામદારોના અધિકારો વિષે જાણકારી આપી હતી. મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહાનુભાવોના હસ્તે ઔદ્યોગિક ક્ષેત્રે સારી કામગીરી કરી રહેલી મહિલાઓનું મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું.