મહિસાગર જીલ્લાનાં વિરપુરની બેન્ક ઓફ બરોડાની શાખામાં કેશિયર દ્વારા આચરાયેલા કૌભાંડમાં આખરે બેન્કના અધકારી દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. કેશિયરે વિવિધ ખાતેદારોના નાણા અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. જેમાં કેટલાકને બેન્કના સ્ટેમ્પનો દુરૂપયોગ કરી બોગસ એફડી આપી હતી. આ એફડીની રકમ ઘર ભેગી કરી હતી. આ અંગે કર્મચારી સામે રૂ.૪૨ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જો કે કૌભાંડની આ રકમમાં તપાસ દરમિયાન વધારો થવાની સંભાવના છે. વિરપુર બેન્ક ઓફ બરોડાના કેશિયર દ્વારા કરાયેલી ઉચાપતનો આંકડો રૂ.૪૨ લાખ જેવો થાય છે.

આ ગાળામાં તેણે ખાતેદારોના નાણા નહીં આપી બેન્કના સ્ટેમ્પનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી એફડીઆર સર્ટીફિકેટ બનાવ્યાં હતાં. જે ગ્રાહકોને ઇશ્યુ કર્યાં હતાં. આ ઉપરાંત કેટલાક ખાતેદારોના ચેક જમા કરાવ્યાં હતાં. તેની બચત ખાતાના ચેકની રકમ ઉપાડી લઇ તેઓને ચુકવ્યા નહીં અને ગ્રાહકોના ડીપોઝીટ સ્લીપ મારફતે જમા કરાવવા આપેલા નાણા અલગ અલગ ખાતામાં જમા કર્યાં નહતાં. આમ કુલ ૪૨ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ અંગે વિરપુર પોલીસે જયસુખ રામ બાબુલાલ (રહે મુળ.રાજસૃથાન) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



