વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીમાં આજે ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનામાં કંપની માલિક સહિત ત્રણ વ્યકિતઓ બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે આજુબાજુ તથા સામે આવેલી કંપનીના કર્મચારીઓને પણ અસર થઇ હતી. કર્મચારીઓ ભાગી ગયા હતા. જુદી-જુદી ટીમો દ્વારા ગેસને કાબુમાં લેવા કવાયત આદરી હતી. 
મળતી માહિતી મુજબ, ભિલાડ નજીકના સરીગામ ખાતે સાઈનેક્સ મેટાટેક નામક કેમિકલનું ઉત્પાદન કરતી કંપની આવેલી છે. આજે કંપનીમાંથી અચાનક ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ચોમેરે હવામાં ગેસ ફેલાય જતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં કંપનીના માલિક સહિત ત્રણ વ્યકિતઓને ગેસની અસર થતા બેભાન થઇ ગયા હતા. તાત્કાલિક ત્રણેયને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. એટલું જ નહી પણ ગેસ લીકેજ થતા આજુબાજુ તથા સામે આવેલી કંપનીના કર્મચારીઓ ભાગી ગયા હતા. કેટલાકને ગેસની પણ અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ, જીપીસીબીના અધિકારી અને ટીમ દોડી ગઇ હતી. કંપનીમાં મોટા પ્રમાણ લીકેજ થયેલા ગેસને નિયંત્રણ કરવા જુદી જુદી ટીમો હવા કવાયત હાથ ધરાઇ હતી.



