દિલ્હીમાં જંતર-મંતર પર પ્રદર્શનના આયોજન પહેલા સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અંદાજે 245 જેટલી લોકલ અને ટૂંકા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે બહારથી આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બોર્ડ પર સતત ટ્રેનો રદ થયાની માહિતી દર્શાવવામાં આવી રહી છે. માત્ર રેલવે મુસાફરો જ નહીં, પરંતુ રસ્તા માર્ગે આવતા લોકોને પણ ભારે ટ્રાફિક અને પોલીસ ચેકિંગનો સામનો કરવો પડ્યો છે.
દુબઈથી આવેલા એક વિદેશી મુસાફરે જણાવ્યું કે, તેમણે એરપોર્ટથી નવી દિલ્હી રેલવે સ્ટેશન જવા માટે ટેક્સી બુક કરી હતી, પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિક અને પોલીસ દ્વારા લોકોને રોકવામાં આવી રહ્યા હોવાથી ટેક્સી ડ્રાઇવરે તેમને રસ્તામાં જ ઉતારી દીધા હતા, જેને કારણે સ્ટેશન સુધી પહોંચવામાં તેમને ભારે મુશ્કેલી પડી હતી. દિલ્હીની નજીક આવેલી નોઈડા બોર્ડર સહિત તમામ સરહદો પર પણ પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આવતા-જતા લોકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી રહી છે કે જંતર-મંતર પર પ્રદર્શન માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 અને અન્ય સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરી શકાય છે અને જરૂર પડ્યે અટકાયત પણ થઈ શકે છે. બીજી તરફ, પ્રદર્શનના આયોજકોના જણાવ્યા મુજબ સવારથી જ લોકો એકત્રિત થવાના શરૂ થયા છે, ત્યારે પોલીસની કડક ચેતવણીઓ વચ્ચે પ્રદર્શનકારીઓ કેટલા સફળ થઈ શકે છે તેના પર સૌની નજર રહેશે.(સૌજન્ય)




