ગુજરાતીઓનું સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર છે. હોસ્પિટલના બિલમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. શહેરી દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાના સરેરાશ ₹51,742 ચુકવે છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશનના રિપોર્ટ મુજબ, ગુજરાતના શહેરી વિસ્તારોમાં એકવાર હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ ₹51,742 છે, જે ₹46,774 ના રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. તાજેતરમાં બહાર પડેલા આ અહેવાલમાં ઝારખંડ પ્રથમ ₹59,455 ખર્ચ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ ₹56,537 ખર્ચ સાથે બીજા, મહારાષ્ટ્ર ₹55,697 ખર્ચ સાથે ત્રીજા અને આસામ ₹51,825 ના ખર્ચ સાથે ચોથા ક્રમે છે.
રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના ગામડા અને શહેરી વિસ્તારોના હોસ્પિટલ ખર્ચમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આ ખર્ચ ₹25,877 હતો, જ્યારે શહેરોમાં ₹51,742 હતો. શહેરી અને ગ્રામીણનો સરેરાશ હોસ્પિટલ ખર્ચ ₹38,809 થાય છે. રિપોર્ટ પ્રમાણે, ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓ સરેરાશ ₹25,347 અને શહેરી વિસ્તારોમાં ₹39,572 નો ખર્ચ ઉઠાવે છે. એટલે કે કુલ ખર્ચના લગભગ 83% દર્દીઓએ પોતે ભોગવ્યા છે, જ્યારે બિન-તબીબી ખર્ચ (મેડિકલ સિવાયના ખર્ચ) સરેરાશ ₹2,300 ની આસપાસ રહ્યા હતા. આ રિપોર્ટમાં ગુજરાતના 6,000 થી વધુ પરિવારોના 30,300 થી વધુ ઉત્તરદાતાઓના ડેટાને આવરી લેવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યમાં વીમા કવચ, ખાસ કરીને ખાનગી કંપનીઓ દ્વારા, ઘણું ઓછું છે. મુખ્યકવરેજ PM-JAY અને મુખ્યમંત્રી અમૃતમ યોજના જેવી સરકારી યોજનાઓના સ્વરૂપમાં છે. સરકારી સુવિધાઓની તુલનામાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને સ્વાભાવિક રીતે વધુ ખર્ચ થશે. ઇમરજન્સી પ્રક્રિયાઓ માટે મધ્યમ અને નાની હોસ્પિટલોમાં ખિસ્સામાંથી થતો ખર્ચ વધુ હોય છે. અહેવાલ મુજબ, તબીબી સલાહ સહિતનો બિન-હોસ્પિટલ તબીબી ખર્ચ ગ્રામીણ ગુજરાતમાં ₹852 અને શહેરી વિસ્તારોમાં ₹968 છે. આમાંથી, દર્દીઓ અનુક્રમે ₹851 અને ₹940 પોતાની રીતે ચૂકવે છે.
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં દર 1,000 વ્યક્તિએ 29 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું નોંધાયું છે, જે રાષ્ટ્રીય ટ્રેન્ડ જેવું જ છે. આમાંથી દર 1,000 માંથી 30 પુરુષો અને 27 મહિલાઓ હતી. શહેરી ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ 32 હતું, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 26 હતું. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વય વિશ્લેષણ દર્શાવે છે કે 60 વર્ષથી વધુ વયના દર 1,000 માંથી લગભગ 75 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. 5 થી 29 વર્ષની વયજૂથ માટે આ ગુણોત્તર 10-14 ની આસપાસ રહ્યો હતો.



