સોનગઢ નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. સોનગઢ પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે આવેલા મુખ્ય માર્ગ પર વરસાદી રાત્રિનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ એક સાથે ત્રણ દુકાનોનાં તાળા તોડી રોકડ રકમ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સ્થાનિકો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, નગરમાં આવેલ વિજય હોટલ, ગુજરાત સોડા ફાઉન્ટેન અને એક ચંપલની દુકાનના સંચાલકોએ રોજની જેમ રાત્રે દુકાનો બંધ કરી હતી. સવારે દુકાનો ખોલવા પહોંચતાં શટરનાં તાળા તૂટેલા જોવા મળતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તપાસ કરતાં એક દુકાનમાંથી અંદાજે રૂપિયા 5 હજાર, બીજીમાંથી રૂપિયા 7 હજાર તથા ત્રીજી દુકાનમાંથી પરચૂરણ નોટો અને પૂજામાં ઉપયોગમાં લેવાતા ચાંદીના સિક્કા ગાયબ હોવાનું બહાર આવ્યું હતું.
ઘટનાએ વેપારીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે,જ્યાં પોલીસ મથકની નજીક આવેલી દુકાનો જ તસ્કરોથી સુરક્ષિત નથી, ત્યાં શહેરના અન્ય વિસ્તારોની સુરક્ષાની સ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકાય.વેપારીઓએ રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ પૂરતું નહીં, પરંતુ અસરકારક રીતે અમલમાં મુકવાની માંગ સાથે તસ્કરોને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ચોરી અંગે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ મથકની આટલી નજીક બનેલી આ ઘટના નાઈટ પેટ્રોલિંગની અસરકારકતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. વેપારીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે, જ્યારે હવે સૌની નજર પોલીસની તપાસ અને તસ્કરોની ઝડપી ધરપકડ પર ટકેલી છે.જોકે, આ સમગ્ર ઘટનામાં મોડી સાંજ સુધી સોનગઢ પોલીસ મથકે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી, જેના કારણે પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે.




