સુરત: સુરત ગ્રામ્ય જીલ્લા LCB અને પેરોલ ફર્લો શાખાની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કામરેજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર (બાળકિશોર)ને ઝડપી પાડ્યો છે.
ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન.ચૌહાણની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો આ કિશોર કામરેજ ચાર રસ્તા બ્રીજ નીચે મરૂન શર્ટ અને સફેદ પેન્ટ પહેરીને ઊભો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આ કિશોરને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુના સમયે તે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હતો, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેનો કબ્જો કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.




