અમદાવાદ : હવામાન કેન્દ્રના આગામી સાત દિવસના પૂર્વાનુમાન મુજબ 19 જુલાઈ સુધી ગુજરાતના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. હવામાન વિભાગે આ સમયગાળા માટે ભારે વરસાદ કે વાવાઝોડાની કોઈ ચેતવણી જાહેર કરી નથી.
બીજી તરફ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 15થી 20 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા થી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે 22થી 24 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે 25થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક તેમજ ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને તેનો વધુ લાભ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




