નાગપુર: મહારાષ્ટ્ર સરકાર આગામી ત્રણ વર્ષમાં રાજ્યને રેલવે ફાટકમુક્ત બનાવવાના લક્ષ્ય સાથે 145 નવા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરશે. નાગપુરના વર્ધમાનનગર ખાતે નવા ફોર-લેન રોડ ઓવરબ્રિજ સહિત ₹484 કરોડના નવ વિવિધ આંતરમાળખાકીય પ્રોજેક્ટોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, રેલવે ફાટકોને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં અકસ્માતો થતાં હોવાથી રાજ્યમાં વધુ ટ્રાફિક ધરાવતા ફાટકોને પ્રાથમિકતા આપીને ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ‘મહારેલ’ દ્વારા આ તમામ કામગીરી આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, નાગપુરમાં માર્ગ અને પુલોના વિકાસ સાથે પારડી વિસ્તારમાં આધુનિક શાકભાજી માર્કેટ અને સ્પોર્ટ્સ ક્લબ પણ બનાવાશે, જેમાં NHAI તરફથી ₹40 કરોડનું યોગદાન મળશે. તેમણે ઉમેર્યું કે, શહેરમાં મેટ્રો, શિક્ષણ અને અન્ય આધુનિક સુવિધાઓના વિકાસથી રોજગારી અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળ્યો છે.




